Translate

10 May 2020

પોરબંદરથી મધ્યપ્રદેશના ૧૧૮૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન જવા અપાઇ ભાવભરી વિદાય


પોરબંદરથી મધ્યપ્રદેશના ૧૧૮૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન જવા અપાઇ ભાવભરી વિદાય
ટ્રેનની ટિકીટ, જમવાની, ચા,નાસ્તો, પાણીની સુવિધા બંને રાજ્યોના સંકલનથી તંત્ર દ્વારા કરાઇ
કોરોના મહામારી દૂર થશે ત્યારબાદ ફરી પાછા રોજગારી માટે
ગાંધીભૂમિમાં આવીશું : શ્રમિકો
                                       
સંકલન : જીતેન્દ્ર નિમાવત માહિતી બ્યુરો પોરબંદર
પોરબંદર તા.૯, પોરબંદર જિલ્લામાં રોજગારી મેળવવા આવેલા મધ્યપ્રદેશના ૧૧૮૫ જેટલા શ્રમિકોને કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે  તેમને વતન  પહોંચાડવાની સંવેદનાના ભાગરૂપે પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કલેકટર, ડી.ડી.ઓ, સહિતના અધિકારીઓએ લીલીઝંડી દ્રારા ટ્રેનને રવાના કરાવી હતી. શ્રમિકો સરળતાથી ઘરે પહોચી શકે તે માટે કલેકટર ડી.એન. મોદીએ જુદા-જુદા અધિકારીઓની ટીમ બનાવીને તેઓને કાર્ય સોપવામા આવ્યુ છે. જિલ્લામા ગ્રામ્ય તેમજ જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૩૭૦૦ જેટલા શ્રમિકો વતન પહોચી શકે તે માટે અધિકારીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે. પોરબંદરથી ત્રણ ટ્રેન રવાના કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે પ્રથમ ટ્રેનને રવાના કરવામાં આવી હતી, ટ્રેનની ટિકીટ, જમવાની, પીવાના પાણીની, ચા, નાસ્તો સહિતની વ્યવસ્થા સરકાર દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન નાના માસુમ બાળકોની આંખોમાં દેખાઇ રહ્યુ હતું. તુજ સે નારાજ નહીં પોરબંદર, કોરોના સે પરેશાન હૂંશ્રમિકોએ કહ્યુ હતુ કે, કોરોના મહામારી દૂર થશે ત્યારબાદ ફરી પાછા રોજગારી માટે ગાંધીભૂમિમાં આવીશું.

આપત્તિનાં સમયમાં બે સ્થળોને જોડવા માટે ટ્રેન ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. દુકાળના સમયે એક સ્થળેથી બીજા સ્થળ પાણી, ઘાસચારો સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય, કોઇ જગ્યાએ ફસાયેલા નાગરિકોને વતન લાવવા હોય, આમ ટ્રેનનું મહત્વ વર્ષોથી રહ્યુ છે. અત્યારે કોરોના મહામારી દરમ્યાન ભારત સરકાર ભારતીય રેલવે દ્વારા રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પોતાના વતન જવા ઇચ્છતા શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનની, બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં રહેલા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન મોકલવામાં આવશે. જેના ભાગરૂપે આજ તા.૯ના રોજ પ્રથમ દિવસે ૧૧૮૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મેઘનગર ખાતે પહોચાડવા પોરબંદરથી સવારે ૬ કલાકે ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકો, પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવા, ચા, પાણી, નાસ્તો, ટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપર શોપ આપવામાં આવ્યા હતા. ટ્રેનનું ભાડુ સરકારો દ્રારા ચૂકવવામાં આવ્યુ હતું. જ્યારે ગુજરાત સરકાર વતી જિલ્લાતંત્ર દ્રારા જમવાની, ચા, નાસ્તો, પાણી, આરોગ્ય તપાસણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોતાના ચાર વર્ષિય બાળકની આંગળી પકડીને જિલ્લાતંત્ર, પોલીસ સ્ટાફ, રેલ્વે વિભાગનો આભાર વ્યક્ત કરતા કંડાભાઇએ કહ્યુ કે, કોરોના મહામારી દૂર થશે એટલે પોરબંદરનાં ખેડૂતોની જમીનમાં પાકનું વાવેતર અને પાકની લણણી કરવા ફરી પાછો પરિવાર સાથે આવીશ. ટ્રેનમાં પ્રથમ વખત મુસાફરી કરનાર મધ્યપ્રદેશના સોનકુવાના ગજરીબહેને કહ્યુ કે, મારા આખા પરિવારને ટ્રેનની ટિકીટ, જમવાની, પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરનાર તમામને હું યાદ કરીશ અને ફરી પાછી પરિવાર  સાથે ગુજરાતમાં રોજગારી મેળવવા અચૂક આવીશ. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણી, ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, નાયબ પોલીસ અધિક્ષક જુલી કોટીયા, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષી, રેલવે વિભાગનાં અધિકારીઓ સહિત જિલ્લા, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.