Translate

10 May 2020

પોરબંદરથી મધ્યપ્રદેશના વધુ ૧૪૩૫ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન રવાના કરાયા



ટ્રેનની ટિકીટ સરકાર દ્રારા તથા જમવાની, ચા,નાસ્તો, પાણીની સુવિધા તંત્ર અને સંસ્થાઓ દ્વારા કરાઇ

પોરબંદર તા. ૧૦, પોરબંદર જિલ્લામાં ખેતીકામ, કારખાનામા કામ કરતા મધ્યપ્રદેશના ૧૪૩૫ જેટલા શ્રમિકોને કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે તેમને પોરબંદરથી ખાસ ટ્રેન મારફત મ.પ્રદેશના મેઘનગર ખાતે ટ્રેન દ્રારા રવાના કરાયા હતા. શ્રમિકો સરળતાથી ઘરે પહોચી શકે તે માટે કલેકટર ડી.એન. મોદીએ જુદા-જુદા અધિકારીઓની ટીમ બનાવીને તેઓને કાર્ય સોપવામા આવ્યુ છે. જિલ્લામા ગ્રામ્ય તેમજ જીઆઇડીસી વિસ્તારમા કામ કરતા ૩૭૦૦ જેટલા શ્રમિકો વતન પહોચી શકે તે માટે અધિકારીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે. પોરબંદરથી ત્રણ ટ્રેન રવાના કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે સતત બીજા દિવસે ૧૪૩૫ જેટલા શ્રમિકોને લઇને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન પણ મ.પ્રદેશના મેઘનગર પહોચશે. ટ્રેનની ટિકીટ સરકાર દ્રારા તથા જમવાની, પીવાના પાણીની, ચા, નાસ્તો સહિતની વ્યવસ્થા તંત્ર અને સંસ્થા દ્રારા પુરી પાડવામાં આવતા ટ્રેનમાં બેઠેલા શ્રમિકોએ વિદાયવેળાએ વ્યવસ્થા પુરી પાડવા બદલ કર્મયોગીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોરબંદર જિલ્લામાં રહેલા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોને ૩ દિવસમાં ટ્રેન મારફત પોતાના વતન મોકલવામાં આવશે. જેના ભાગરૂપે આજ તા.૧૦ ના રોજ ૧૪૩૫ જેટલા શ્રમિકોને મ.પ્રદેશના મેઘનગર ખાતે પહોચાડવા પોરબંદરથી ટ્રેન ઉપડી હતી. આ તમામ શ્રમિકો તથા તેઓના બાળકો, પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે જમવા, ચા, પાણી, નાસ્તો, ટ્રેનની ટિકીટ તથા હેન્ડવોશ માટે પેપરશોપ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શ્રમિકોને બેટી બચાવો બેગ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર ડી.એન.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, ચીફ ઓફીસર રુદ્રેશ હુદડ, પ્રાંતઅધિકારી કે.વી.બાટી, એ જે.અસારી, જિલ્લાના મામલતદારો, નાયબ પોલીસ અધિક્ષક જુલી કોટીયા, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, આઇ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષી, રેલવે વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી.