Translate

12 May 2020

પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની ઉજવણી કરાઇ



નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સને પ્રમાણપત્ર પાઠવીને બીરદાવાયા

કોરોના મહામારીમાં ફરજ બજાવવી એ એક નર્સ અને માણસ તરીકે મારૂ કર્તવ્ય છે : હેતલ ગુંદાણીયા
સંકલન :- જીતેન્દ્ર નિમાવત, માહિતી બ્યુરો, પોરબંદર

પોરબંદર તા.૧૨, પોરબંદર સિવિલ હોસ્પિટલ દ્રારા આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની નાની ઉજવણી કરીને આધુનિક નર્સિંગના જન્મદાતા ઇટલીના ફલોરેન્સ નાઇટીંગલ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોરોનાને ફાઇટ આપવા જરૂરી તમામ પગલાનુ હુ પ્રોટોકોલ મુજબ પાલન કરીશ તેમ તમામ નર્સિંગ સ્ટાફે શપથ લીધા હતા. આ દરમિયાન કોવિડ-૧૯ અંતર્ગત સેવા આપતા નર્સિંગ સ્ટાફે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં ૯૪ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. આ દિન નિર્મિતે નર્સિંગ સ્ટાફ અને ડોકટર્સને પ્રમાણપત્ર પાઠવીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્રારા સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાયુ હતું. ૧૨મી મે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરિકે ઉજવવામાં આવે છે. ઇટલીમા જન્મેલા આધુનિક નર્સિંગના જન્મદાતા એવા ફલોરેન્સ નાઇટીંગલના જન્મ દિવસનાં માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ WHO દ્રારા યર ઓફ નર્સ એન્ડ મિડવાઇફરી તરીકે જાહેર કરાયેલ છે. ફલોરેન્સ નાઇટીંગલને કીમિયાનાં યુધ્ધમાં ઘાયલોની સારવાર માટે ખાસ યાદ કરવામાં આવે છે.

હાલ વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે કટોકટીના સમયે દર્દીઓને સારવાર અને સાંત્વના પુરી પાડીને નર્સિંગ સ્ટાફ ખુબ જ મહત્વની સેવા કરી રહ્યા છે ત્યારે પોરબંદર સિવિલ હોસ્પિટલના નર્સિંગ  સ્ટાફે તથા જનરલ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોવીડ-૧૯ આઇસોલેસન વોર્ડનાં ઇન્ચાર્જ અને પોરબંદરમાં કોરોનાના ૩ પોઝીટીવ દર્દીને સારવાર અને સાંત્વના પુરી પાડનાર હેતલ ગુંદાણીયાએ કહ્યુ કેદર્દીઓને સારવાર આપવાની સાથે તેઓને હોમલીફીલ થાય તે ખુબ જ મહત્વનું હોય છે. કોરોના મહામારીમાં નર્સ તરીકે ફરજ બજાવવી એ એક નર્સ અને માણસ તરીકે મારૂ કર્તવ્ય છે. જે ખુબ જ નિષ્ઠાથી ફરજ બજાવી રહી છું. સિવિલમાં ફરજ બજાવતા અલ્પેશભાઇ નાંઢાએ કહ્યુ કે, મારા માટે પત્નિ, ૬ વર્ષનો પુત્ર અને ૨ મહિનાની મારી પુત્રી જેટલા મહત્વના છે. એટલા જ મહત્વનાં મારા માટે એક એક દર્દી હોય છે કે તેઓની યોગ્ય સારવાર થાય. હિન્દી સિનેમાના નામાંકિત દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીની લોકપ્રિય ફિલ્મ આનંદમાં ડોકટર તરીકે બાબુમોસાઇ (અમિતાભ) અને નર્સ (સીસ્ટર) તરીકે લલીતા પવારનો અભિનય ખુબ જ પ્રેરણાદાયી છે. એક આદર્શ નર્સ ડોકટર કેવા હોવા જોઇએ તેની ઝલક ફિલ્મ આનંદમાં આપણે જોઇ શકીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કિરણબેન ભટ્ટ તથા અસ્મીતાબેન પરીએ કહ્યુ કે, પોરબંદર જિલ્લાને કોરોના પોઝીટીવ કેસ મૂક્ત કરીને ગ્રીનઝોનમાં લાવવા રાજ્ય સરકારે, જિલ્લા વહિવટીતંત્રએ તથા સિવિલના તમામ ડોકટર્સ, નર્સીસ સ્ટાફે ખુબ જ મહત્વની કામગીરી કરી છે. વિદ્યાર્થીકાળ દરમિયાન અમને સપથ લેવાના હોય કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે તે સમયે ધીરજ રાખીને સામનો કરી દર્દીઓને સારવાર અને સાંત્વના પુરી પાડવી. કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર દરમિયાન અમે ડર રાખવા કરતા સાવચેતી રાખીને દર્દીનું મેન્ટલ મોરલ તૂટે નહીં તેની કાળજી રાખી હતી.

પોરબંદરના ભરતભાઇ કાછેલાને ૧૩ દિવસ સુધી સીવિલમા સારવાર આપીને કોરોના પોઝીટીવ મૂક્ત કરાયા હતા. ભરતભાઇએ નર્સિંગ ડે નિર્મિતે કહ્યુ કે, સીવિલના ડોકટર્સ કે નર્સિંગ સ્ટાફ સાથે મારે કોઇ લોહીના સબંધ નથી, છતા તે લોકોએ પરિવારની જેમ જ રાત દિવસ મારી સારવાર, સેવા કરી હતી. તેઓએ મને હૂંફ આપીને મારા આત્મ વિશ્વાસને પણ મજબૂત કર્યો હતો. પોરબંદર જનરલ નર્સિંગ  સ્કૂલનાં આચાર્યશ્રી, અરવિંદ રાજ્યગુરૂએ કહ્યુ કે, નર્સનો પ્રથમ ઉદેશ્ય બિમાર, ઘાયલ લોકોની સારવાર કરવી, પોતાનું અને પ્રોફેશનનું ડેવલપમેન્ટ કરવુ તથા પ્રિવેન્ટીવ સારવાર પુરી પાડવી તે છે. નર્સીગ સ્કુલનાં વિદ્યાર્થીઓ લોકડાઉનની ફલોરેન્સ નાઇટીંગલને પુષ્પાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે થર્ડયરની વિદ્યાર્થિની સ્તુતિબેન પટેલે કહ્યુ કે, મારો અભ્યાસ ક્રમ પૂર્ણ થયે હું દર્દીઓની સારવારમાં મારૂ જીવન સમર્પિત કરીશ. આમ ફલોરેન્સ નાઇટીંગલને પુષ્પાંજલિ અર્પણ કરીને પોરબંદર સિવિલના તમામ નર્સિંગ સ્ટાફ તથા ડોકટર્સ કોરોના મહામારી સામે લડવા વધુ ને વધુ મક્કમ બન્યા હતા. તથા સમગ્ર વિશ્વમાથી આ મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.