Translate

12 May 2020

કવોરેન્ટાઇન કરેલા લોકોનો પ્રતિભાવ


પોરબંદરના કવોરેન્ટાઇન સેન્ટરમાં બહારથી આવેલા લોકો માટે ઘરથી પણ વિશેષ સુવિધા
બદલ સરકારી તંત્રનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી - અશોકભાઈ બળેજા
વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર એક એક વ્યક્તિની પરિવારના સભ્યની જેમ દરકાર લઈ રહી છે
કવોરેન્ટાઇન કરેલા ૩૮ લોકોનો પ્રતિભાવ
પોરબંદર તા.૧૨ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર જે તે શહેરમાં બહારથી આવતાં લોકોને તકેદારીના ભાગરૂપે કવોરેન્ટાઇન કરે ત્યારે સરકારી કવોરેન્ટાઇન સેન્ટરમાં ઘરથી પણ વિશેષ સુવિધા અને સગવડ આપવામાં આવે છે. ગુજરાત સરકારની આ વ્યવસ્થા નો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની કામગીરી કાબિલેદાદ છે. આ શબ્દો છે રાણાવાવના અશોકભાઈ બળેજાના, જેણે પોરબંદર  જિલ્લામાં તંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમથી કરવામાં આવી સુવિધા અંગે પત્ર લખી સરકારનો આભાર માન્યો છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવના અશોકભાઈ બળેજા અને તેના ગ્રૂપના ૩૮ સભ્યો સુરત થી પોરબંદર જિલ્લામાં આવ્યા હોય સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા કલેકટરના માર્ગદર્શન મુજબ આ સભ્યોને પોરબંદર નજીક આદર્શ નિવાસી કન્યા શાળામાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. કવોરેન્ટાઇન સમય પૂર્ણ થતાં તમામ સભ્યોને તેમના ઘરે જવા માટે વિદાય આપવામાં આવી ત્યારે આ સેન્ટરમાં સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે તમામના ચહેરા પર સંતોષની ઝલક જોવા મળી હતી. આ અંગે અશોકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટરમાં સમયસર નાસ્તો, જમવાનું અને રોજેરોજ સફાઈ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ વગેરે કામગીરી પરિવારના સભ્યોની જેમ કરવામાં આવી હતી. અમને ઘરથી પણ વિશેષ  સુવિધા મળી છે. બાળકોને પણ તંત્રએ ઘર યાદ ના આવે એ રીતે સાચવ્યા હતા. અશોકભાઈ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની સારામાં સારી સુવિધા અંગે ગુજરાત સરકારનો લેખિતમાં આભાર માની જણાવ્યું છે કે ગુજરાત સરકાર ગામે ગામ કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં એક એક નાગરિક ની દરકાર કરે છે.