Translate

13 May 2020

ગુજરાતના રિક્ષાચાલકો, ધોબી, વાળંદ સમાજ પ્રત્યે સરકારને ‘સંવેદના’ નથી : મનોજ રાઠોડ

કહેવાતી સંવેદનશીલ સરકાર સંવેદના‘હિન’ બની ગઈ હોવાનો લોકોને થઈ રહેલો અહેસાસ
કર્ણાટક ભાજપ સરકારે ત્યાંના રોજનું કમાઈને ખાતાં લોકોને પાંચ-પાંચ હજારની સહાય કરવા 1610 કરોડનું બજેટ ફાળવ્યું: 
અનાજ વિતરણ કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી રૂપાણી સરકાર તાકિદે જાગે તે જરૂરી

કોરોનાને ફેલાતો અટકાવવા માટે આખો દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનથી આમ તો દરેક ઉદ્યોગ-વ્યવસાયને ફટકો પડ્યો છે પરંતુ ખાસ કરીને રોજનું કમાઈને ખાતાં લોકોને મરણતોલ ફટકો પડ્યો છે. તેમાં પણ રિક્ષાચાલકો ઉપરાંત ધોબી અને વાળંદ સમાજને તો ખાવાના પણ સાંસા પડી ગયા છે કેમ કે તેમનું કામ સદંતર ઠપ્પ થઈ પડ્યું છે. આવામાં ગુજરાતની કહેવાતની સંવેદનશીલ સરકાર અત્યારે સંવેદના‘હિન’ બની ગઈ હોવાનો અહેસાસ આ લોકોને થઈ રહ્યો છે. કર્ણાટકની ભાજપ સરકારે ત્યાંના રિક્ષાચાલકો, ધોબી, વાળંદ, વણાંટ કારીગરો, ખેડૂતોને રોકડ રૂા.પાંચ-પાંચ હજારની સહાય કરવા માટે લોકડાઉન વચ્ચે જ 1610 કરોડના બજેટની જોગવાઈ કરી ચૂકવણી શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારનું કામ કરતાં લોકોની વસતી મોટી સંખ્યામાં હોવાથી તેમને પણ કર્ણાટકની જેમ ગુજરાતની સરકારે મદદ કરવી જોઈએ તેવી માગણી લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે ઉઠાવી છે.

મનોજ રાઠોડે જણાવ્યું કે ગુજરાતમાં હજારોની સંખ્યામાં રિક્ષાચાલકો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. લોકડાઉન જાહેર કરાયું હોવાથી તેઓ રિક્ષા ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી જેના કારણે તેમની હાલત કફોડી થઈ જવા પામી છે આથી તેમને રોકડ મદદની તાતી જરૂર છે. આ ઉપરાંત ધોબી અને વાળંદ સમાજના લોકોને પણ લોકડાઉનને કારણે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તેમનો ધંધો પણ બંધ થઈ જવા પામ્યો છે અને જો તેઓ ધંધા-રોજગાર શરૂ કરે તો પોલીસ તેમની સામે ગુનો નોંધે છે આથી તેમના માટે પણ ગુજરાત સરકારે વિચાર કરવો જ જોઈએ. જો કર્ણાટક સરકાર ત્યાંના લોકોની મદદ કરી શકતી હોય તો ગુજરાતની સરકાર પણ તેનું અનુપાલન કરવા માટે સક્ષમ છે અને સરકાર ઈચ્છે તો રોજનું કમાઈને ખાતાં લોકોની મદદ કરી શકે તેમ છે.  તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર લોકોને અનાજ વિતરણ કરીને સહાય કર્યાનો ઓડકાર ખાઈ લ્યે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર અનાજનું વિતરણ કરી દેવાથી વાત પૂરી થઈ જતી નથી કેમ કે દવા સહિતની જીવનજરૂરી વસ્તુ ખરીદવા માટે રોકડની જરૂર પડે છે અને સરકારે દવા સહિતની વસ્તુની સહાયની જાહેરાત કરી નથી તેથી સરકાર રોકડમાં સહાય કરે તે આજના સમયની માગ છે. જો આમ નહીં કરાય તો આગામી સમય પસાર કરવો નાના વર્ગના લોકો માટે અત્યંત કપરો બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક વાત એ પણ નોંધનીય છે કે જો ગુજરાત સરકાર કર્ણાટકની સરકારે લીધેલા નિર્ણયનું અનુપાલન કરશે તો ‘નાનપ’ અનુભવવા જેવું નહીં રહે કેમ કે ત્યાં ભાજપની સરકાર જ શાસનમાં છે.
મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પૂર્વ પ્રમુખ (તાલુકા પંચાયત-લોધીકા) મો.નં.98242 51663