Translate

13 May 2020

‘લોક’ને કારણે આર્થિક ‘ડાઉન’ થઈ ગયેલા પ્રજાપતિ સમાજનો વિચાર કરો: મનોજ રાઠોડ

ગુજરાતમાં વસતાં પ્રજાપતિ સમાજના 40 લાખ લોકો ધંધા-રોજગાર વગર ટળવળી રહ્યા છે


‘લોક’ને કારણે આર્થિક ‘ડાઉન’ થઈ ગયેલા પ્રજાપતિ સમાજનો વિચાર કરો: મનોજ રાઠોડ


સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરી સમાજને ફરી બેઠો કરવો જોઈએ:
ઈંટો તેમજ માટીના વાસણોનો વેપાર સદંતર બંધ થઈ જતાં હાલત કફોડી
રાજકોટ
કોરોના નામના રાક્ષસે આખા ભારતને બાહુપાશમાં જકડી લીધું છે જેના કારણે દરેક સરકારે લોકોને બચાવવા માટે લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. જો કે લોકડાઉનને કારણે સમાજના દરેક વર્ગને આર્થિક ફટકો પડી રહ્યો છે અને હજારો લોકોની નોકરી ગઈ છે તો અનેક લોકોએ ધંધા-વેપાર સંકેલી લેવાનો મને-કમને નિર્ણય લેવો પડ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં જેમની વસતી 40 લાખથી વધુ છે તે પ્રજાપતિ સમાજની આર્થિક સ્થિતિ અત્યંત ડાઉન થઈ જવાને કારણે રાજ્ય સરકારે તેમના માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવાની માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  મનોજ રાઠોડે ઉઠાવી છે. જો આ સમાજને સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે તો જ તે બેઠો થઈ શકે તેમ છે. મનોજ રાઠોડે જણાવ્યું કે આ સમાજ ખાસ કરીને ઘર બનાવવા માટે વપરાતી ઈંટો તેમજ માટીના વાસણોનો વેપાર કરી ગુજરાન ચલાવે છે પરંતુ 46 દિવસથી લોકડાઉન અમલી હોવાને કારણે તેમનો વેપાર સાવ ઠપ્પ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ વ્યક્તિની છાપ ધરાવે છે તેથી તેમણે ગુજરાતમાં વસતાં પ્રજાપતિ સમાજના 40 લાખ લોકોનો વિચાર કરવો જોઈએ. મનોજ રાઠોડે કટાક્ષ કરતાં કહ્યું કે કોરોના નામના રાક્ષસ સામે લડનારા યોદ્ધાઓને બિરદાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દીવડાં પ્રગટાવવાની હાકલ કરવામાં આવી હતી અને તેમની આ હાકલને લોકોએ વધાવી લેતાં ઠેર-ઠેર દીવડાં પણ પ્રગટ થયા હતા. આ દીવડા પ્રજાપતિ સમાજ દ્વારા જ બનાવવામાં આવે છે તે ભૂલવું ન જોઈએ. આ ઉપરાંત પ્રજાપતિ સમાજ માટીના વાસણો અને ગરીબ અને મધ્યમ વર્ગ પોતાની જિંદગીભરની કમાણી એકઠી કરી બનવતા મકાન માટે ઈંટોનું પણ ઉત્પાદન કરે છે જેનું અત્યારે વેચાણ પણ ઠપ્પ થઈ ગયું હોવાથી પાયમાલીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. 


તેમણે ઉમેર્યું કે પ્રજાપતિ સમાજને બેઠો કરવા ગુજરાત સરકાર દ્વારા મોટા આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ. મોસાળે જમણવાર અને મા પીરસનારની કહેવત માફક રાજ્ય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર હોવાથી સમાજને પેકેજ જાહેર કરવામાં બહું અડચણ પડશે નહીં. ભારતમાં આ સમાજની 2.50 કરોડની પ્રજાપતિ સમાજની વસતી છે જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સ્તરેથી પેકેજ જાહેર કરવું જોઈએ. નોંધનીય વાત એ છે કે ભારતની મોટાભાગની વસતી ગામડામાં વસવાટ કરે છે. ઘણા લોકો માટીના માટલા તેમજ તાવડીમાં જમવાનું બનાવે છે જેથી તે લોકોને બીમારી થવાની સંભાવના ઘટી જાય છે જેથી ગ્રામ્ય પ્રજામાં કોરોનાના કેસ અત્યંત ઓછા બને છે પરંતુ આ માટલા અને વાસણો બનાવનાર પ્રજાપતિ સમાજનો જ ખ્યાલ નહીં રાખવામાં આવે તો તે ગુજરાતની તાસીર માટે હિતાવહ નહીં ગણાય તે પણ ભૂલવું ન જોઈએ. 
મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પૂર્વ પ્રમુખ (તાલુકા પંચાયત-લોધીકા)
મો.નં.98242 51663